હાર્દીક અને ભુવનેશ્વરના પ્રદર્શનથી હું ઘણો ખુશ છું : કપિલ દેવ

Thu 11th Jan, 2018 Author: Cricketnmore Team

Kapil Dev, Hardik Pandya, Bhuvneshwar Kumar

11 જાન્યુઆરી (CRICKETNMORE) અમદાવાદ : સર્વકાલિન મહાન ઑલરાઉન્ડર કપિલ દેવનું કહેવું છે કે, ‘અત્યારે હાર્દિક પંડ્યા શાનદાર પ્રદર્શન કરી રહ્યો છે. હાર્દિક એક ખૂબ સારો ઑલરાઉન્ડર છે.’ તેમણે ભુવનેશ્વર કુમારની પણ ખૂબ પ્રશંસા કરતા આશા વ્યક્ત કરી કે, સાઉથ આફ્રિકા સામે આગામી મેચોમાં ભારતીય ટીમ સારું પ્રદર્શન કરશે. એક કાર્યક્રમમાં ઉપસ્થિત પૂર્વ કેપ્ટન કપિલે કહ્યું કે, ‘આજે ક્રિકેટમાં બોલર્સની ભૂમિકા ઘણી બદલાઈ ગઈ છે. આજના બોલર્સ સારી બોલિંગની સાથે-સાથે શાનદાર ફિલ્ડર્સ પણ હોવા જરૂરી છે. ક્રિકેટમાં આવેલા ફેરફારોને કારણે બોલર્સનું કામ મુશ્કેલ થઈ ગયું છે.’

હવે બોલરોની ભુમીકા બદલાઇ રહી છે : કપિલ દેવ
કપિલે કહ્યું કે, ‘પહેલા બોલર્સને માત્ર બોલિંગ માટે રાખવામાં આવતા હતા પણ આજે ક્રિકેટનો પ્રકાર બદલાઈ ગયો છે. આજે વન-ડેમાં 300થી વધુ રન બનાવવા છતા જીતની કોઈ ગેરેન્ટી હોતી નથી. ટી-20ની લોકપ્રિયતા વધી છે. બોલર્સ પાસેથી હવે સારી ફિલ્ડીંગ અને બેટિંગની પણ આશા રાખવામાં આવે છે.’

કપિલનું માનવું છે કે, વર્તમાનમાં ભારતીય ટીમ ખૂબ સંતુલિત છે. દક્ષિણ આફ્રિકામાં બેટ્સમેનોને તકલીફ પડી રહી છે પણ આ જ પ્રકારની તકલીફ તેમના બેટ્સમેનોને ભારતીય પિચો પર સ્પીનર્સ સામે થાય છે.

પૈસા લઇને ક્રિકેટ શીખવવું સિદ્ધાંતોની વિરૂદ્ધ
યુવા ખેલાડીઓને તાલીમ અને તક આપવા વિશે પોતાનો મત રજૂ કરતા કપિલ કહ્યું કે, તેમને ક્રિકેટ એકેડમી ખોલવામાં કોઈ રુચિ નથી. બાળકો પાસેથી પૈસા લઈ તેમને ક્રિકેટ શીખવવું તેમના સિદ્ધાંતોની વિરુદ્ધ છે. જો કોઈ તેમને ફાયનાન્સ કરે તો તેઓ આ અંગે વિચારી શકે છે.