બ્લાઇંડ ક્રિકેટ વર્લ્ડ કપમાં ભારતે પાકિસ્તાનને 7 વિકેટે હરાવ્યું

Sat 13th Jan, 2018 Author: Adhiraj Jadeja

India Blind Cricket

13 જાન્યુઆરી, (CRICKETNMORE), ઓવલ : ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ઇન્ડિયાએ બ્લાઈંડ ક્રિકેટ વર્લ્ડ કપમાં પાકિસ્તાનને સાત વિકેટથી હરાવી દીધું હતું. પાકિસ્તાને પ્રથમ બેટિંગ કરતા ૪૦ ઓવરમાં ૮ વિકેટે ૨૮૨ રન બનાવ્યા હતા. પાકિસ્તાન તરફથી મો. જમીલ (બી-૩- બ્લાઈંડ લેવલ ત્રણ) અને કેપ્ટન નિસાર અલી (બી-૩) એ ત્રીજી વિકેટ માટે ૧૩૭ રનની ભાગીદારી કરી હતી. નિસાર અલીને અજય રેડ્ડીએ ૬૩ રન પર આઉટ કર્યા હતા. જમીલ ૯૪ રન બનાવી અણનમ રહ્યા હતા.

જીતના ૨૮૩ રનના ટાર્ગેટનો પીછો કરવા ઉતરેલી ભારતીય ટીમે આ ૩૪.૫ ઓવરમાં જ પૂરો કરી લીધો હતો. હરિયાણાના દીપક મલિક (બી-૩) ભારત તરફથી સૌથી વધુ રન બનાવનાર બેટ્સમેન રહ્યા અને તેમને ૭૧ બોલમાં અણનમ ૭૯ રનની ઇનિંગ રમી હતી. પોતાની ઇનિંગમાં તેમને ૮ ચોગ્ગા ફટકાર્યા હતા. તેના સિવાય વેંકટેશે ૫૫ બોલમાં ૬૪ રન અને કેપ્ટન અજય રેડ્ડીએ ૩૪ બોલમાં ૪૭ રન બનાવ્યા હતા. આ બંનેની વચ્ચે ચોથી વિકેટ માટે ૧૦૬ રનની ભાગીદારી કરી હતી. આ અગાઉ પાકિસ્તાને બાંગ્લાદેશ અને નેપાળ સામે સતત બે જીત મેળવી હતી.