જાણો ક્યા કારણથી સિડની ટેસ્ટમાં બંને ટીમો શું કામ હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતર્યા હતા

Thu 3rd Jan, 2019 Author: Cricketnmore Team

Team India

સિડની (Cricketnmore.in) : ભારતીય ક્રિકેટ જગત બુધવારે ઘેરા શોકમાં ગરકાવ થઇ ગયું હતું. કારણ કે આપણે જેને ક્રિકેટના ભગવાન કહીએ છીએ, જેને લિટલ માસ્ટર કહીએ છીએ તે સચિન તેંડુલકરના ગુરૂ એવા દ્રોણાચાર્ય પુરસ્કાર વિજેતા ક્રિકેટ કોચ રમાકાંત આચરેકરનું બુધવારે 87 વર્ષની ઉંમરે નિધન થયું હતું. કોચ રમાકાંત આચરેકર સચિન તેંડુલકર, વિનોદ કાંબલી અને પ્રવીણ આમરે જેવા આંતરરાષ્ટ્રીય ખેલાડીઓનો મેન્ટોર રહ્યાં હતા. આચરેકરના નિધન પર ઘણા ક્રિકેટરોએ શોક વ્યક્ત કર્યો છે. સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામેની સીરિઝની ચોથી ટેસ્ટ મેચ રમી રહેલી ભારતીય ક્રિકેટ ટીમે પણ આચરેકરને શ્રદ્ધાંજલિ આપી હતી અને હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતર્યા હતા.

ભારતીય ખેલાડીઓ હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા
સિડનીમાં ગુરૂવારથી શરૂ થયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની નિર્ણાયક ચોથી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમના તમામ ખેલાડીઓએ કોચ રમાકાંત આચરેકરને શ્રદ્ધાંજલી આપી હતી અને હાથમાં કાળી પટ્ટી પહેરીને મેદાન પર ઉતર્યા હતા. ભારતીય ક્રિકેટ બોર્ડે આ અંગે ટ્વીટ કરતા કહ્યું કે, ટીમના ખેલાડીઓ આચરેકરના સન્માનમાં ઉતરી છે. બોર્ડે ટ્વીટ કર્યું, રમાકાંત આચરેકરના નિધન પર પોતાનું સન્માન વ્યક્ત કરતા ભારતીય ટીમના ખેલાડી આજે મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા.

આચરેકરના નિધન બાદ સચિને આપી સૌથી પહેલા પ્રતિક્રિયા
સચિને પોતાના ગુરૂને યાદ કરતા કહ્યું હતું કે, હવે આચરેકર સર સ્વર્ગમાં હોવાથી ત્યાં પણ ક્રિકેટ ચમકશે. મારા જીવનમાં જે તેમનું (રમાકાંત આચરેકર) જે યોગદાન હતું તેને શબ્દોમાં વ્યક્ત કરી શકાય નહીં. આજે હું જ્યાં છું તેનો પાયો તેમણે નાખ્યો હતો.

ઓસ્ટ્રેલિયા ટીમે આ કારણે હાથમાં કાળી પટ્ટી બાંધીને મેદાન પર ઉતર્યા
ઓસ્ટ્રેલિયાના ખેલાડી પણ મેદાન પર કાળી પટ્ટી બાંધીને ઉતર્યા હતા. તે ઓસ્ટ્રેલિયા અને ન્યૂ સાઉથ વેલ્સના બેટ્સમેન બિલ વોટસનના અવસાન પર શોક વ્યક્ત કરવા માટે આમ ઉતર્યા હતા. ઓસ્ટ્રેલિયા માટે ચાર ટેસ્ટ રમનાર વોટસનનું 29 ડિસેમ્બરે નિધન થયું હતું. તેમણે 4 મેચમાં 106 રન બનાવ્યા હતા.


Photo Source : Twitter