જે ધોની ન કરી શક્યો તે રિશભ પંતે કરી બતાવ્યું

Wed 12th Sep, 2018 Author: Cricketnmore Team

Team India

12 સપ્ટેમ્બર, (CRICKETNMORE.COM), અમદાવાદ : ઇંગ્લેન્ડ સામેની અંતિમ ટેસ્ટ મેચમાં ભારત ભલે હારી ગયું હોય પણ યુવા વિકેટ કીપર બેટ્સમેન રિશભ પંત અને લોકેશ રાહુલની તુફાની ઇનીંગે એક સમયે ઇંગ્લેન્ડ ટીમના શ્વાસ અધ્ધર કરી દીધા હતા. બન્ને ખેલાડીઓએ છઠ્ઠી વિકેટ માટે 204 રનની ભાગીદારી નોંધાવી હતી. પણ રિશભ પંતે ઇંગ્લેન્ડ સામે સદી ફટકારતાની સાથે જ એક અનોખો રેકોર્ડ પોતાના નામે કરી લીધો હતો.

રિશભ પંતે પાંચમી ટેસ્ટના પાંચમાં દિવસે પોતાની કારકિર્દીની પહેલી સદી નોંધાવી હતી. ઈંગ્લેન્ડમાં સદી ફટકારનાર રિશભ પંત પહેલો ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે છગ્ગાની સાથે પોતાની પહેલી સદી પૂરી કરી હતી. પંતે 117 બોલમાં 14 ચોગ્ગા અને 3 છગ્ગાની મદદથી સદી પૂરી કરી હતી.

છગ્ગા સાથે સદી કરનાર ચોથો ભારતીય બન્યો
રિષભ પંત સિક્સની સાથે પોતાના ટેસ્ટ કેરિયરની સદી ફટકારનાર ચોથો ભારતીય બેટ્સમેન બની ગયો છે. સૌથી પહેલા કપિલ દેવે 1978-79માં દિલ્હીમાં વિન્ડીઝ સામે છગ્ગો ફટકારીને પોતાની પહેલી ટેસ્ટ સદી પૂરી કરી હતી. પંત હવે ટેસ્ટ ક્રિકેટમાં પહેલી સદી ફટકારનાર બીજા નંબરનો સૌથી યુવા ભારતીય વિકેટકીપર બની ગયો છે. પંતે આ સદી 20 વર્ષ 342 દિવસની ઉંમરે ફટકારી છે. તેની આગળ અજય રાત્રાએ વર્ષ 2002માં વિન્ડીઝ સામે 20 વર્ષ 150 દિવસની ઉંમરમાં સદી ફટકારી હતી.


Photo Source : Twitter