આર્કિટેક્ટની નોકરી છોડીને ક્રિકેટ રમવા આવેલા વરૂણ ચક્રવર્તીને પંજાબે 8.4 કરોડમાં ખરીદયો

Wed 19th Dec, 2018 Author: Cricketnmore Team

Varun Chakravarthy

 19 ડિસેમ્બર, (Cricketnmore.com), જયપુર : જયપુર ખાતે મંગળવારે IPL 2019 માટે ખેલાડીઓની હરાજી થઇ હતી. જેમાં અનકેપ્ડ ક્રિકેટરોમાં સૌથી મોંઘો ખેલાડી તમિલનાડુનો વરૂણ ચક્રવર્તિ રહ્યો હતો. તેને પંજાબની ટીમે 8.4 કરોડમાં પોતાની ટીમમાં સામેલ કર્યો હતો. 8.40 કરોડમાં વેચાયેલા વરૂણ ચક્રવર્તિએ તમીલનાડુ પ્રીમિયર લીગમાં મદુરાઇ પેંથર્સ ટીમને પહેલીવાર ચેમ્પિયન બનાવવામાં મહત્વનો ફાળો ભજવ્યો હતો અને તમામનું ધ્યાન પોતાની તરફ આકર્ષીત કર્યું હતું. વરૂણ ચક્રવર્તીની બેઝ પ્રાઇસ 20 લાખ હતી.

વરૂણ ચક્રવર્તી મિસ્ટ્રી સ્પિનર તરીકે જાણીતો છે
વરૂણ ચક્રવર્તીને મિસ્ટ્રી સ્પિનર કહેવામાં આવે છે. વરૂણની એક્શન અને બોલ જ એવી હોય છે જેને બેટ્સમેન સમજી શકતો નથી. હાલમાં જ વરૂણ તમિલનાડુની રણજી ટ્રોફીમાં ડેબ્યું કર્યું છે. તે એક સારો બેટ્સમેન પણ છે. 13 વર્ષની ઉંમર સુધી તે વિકેટકીપર-બેટ્સમેન હતો. સ્કૂલમાં આ પ્લેયરે ઘણી ક્રિકેટ રમી છે પરંતુ જેવો જ કોલેજમાં આવ્યો ત્યારે તેને ક્રિકેટ છોડી દીધુ હતું. તે આર્કિટેક્ટનો કોર્સ ચેન્નાઇમાં કરી રહ્યો હતો. ગ્રેજ્યુએશનની સાથે એક કંપનીમાં તે નોકરી પણ કરતો હતો.

સ્પિનનો આર્કિટેક્ટ
આર્કિટેક્ટ બનવાનો પ્રયાસ કરી રહેલા વરૂણને અચાનક ક્રિકેટે પોતાની તરફ ખેચી લીધો હતો. વરૂણ ફાસ્ટ બોલર બની ગયો હતો. જોકે, ઘૂંટણમાં ઇજા થતા કરિયર પર બ્રેક લાગી ગઇ હોય તેમ તેને લાગ્યુ હતું. જ્યારે ઇજામાંથી બહાર આવ્યો ત્યારે તેને સ્પિન બોલિંગ કરવાની શરૂ કરી હતી. વરૂણ કહે છે- ગલી ક્રિકેટ રમતા સમયે મે ટેનિસ બોલથી સ્પિન બોલિંગમાં પ્રયોગ કરવાનું શરૂ કર્યુ હતું. અહી બાદમાં મે લેધર બોલથી પણ પ્રેક્ટિસ શરૂ કરી હતી. તે બાદ જાદુ થયો હતો. નેટ્સ પર કોલકાતા નાઇટ રાઇડર્સ અને ચેન્નાઇ સુપરકિંગ્સના બેટ્સમેનોને પણ બોલિંગ કરી હતી. તે બાદ આ વર્ષે તે તમિલનાડુ પ્રીમિયર લીગમાં રમ્યો હતો અને મદુરાઇ પેન્થર્સનો હીરો સાબિત થયો હતો.

વરુણ 7 અલગ અલગ પ્રકારે સ્પિન કરી શકે છે
વરુણ 7 અલગ અલગ પ્રકારે સ્પિન કરી શકે છે તેથી જ આ હરાજીમાં તેના માટે બધી ટીમો વચ્ચે પડાપડી થઈ હતી. તેણે તમિલનાડું પ્રીમિયર લીગમાં 4.7ની ઈકોનોમીથી 9 વિકેટ લઈને મદુરાઈ પેન્થરને એકલા હાથે ટાઈટલ જીતાડ્યુ હતું. વરુણે આ વર્ષે વિજય હઝારે ટ્રોફીમાં સેકેંડ હાઈએસ્ટ વિકેટ લીધી હતી. તે ઉપરાંત રણજી ટ્રોફીમાં પણ પોતાનું ડેબ્યુ કર્યું હતું. તે ઓફ બ્રેક, લેગ બ્રેક, ગુગલી, કેરમ બોલ, ફ્લિપર, ટોપ સ્પિનર અને સ્લાઇડર એમ 7 પ્રકારે બોલીંગ કરી શકે છે.


Photo Source : Google