ભારતે બીજા કક્ષાની કાંગારૂ ટીમને પર્થ ટેસ્ટની જીત ભેટમાં આપી

Tue 18th Dec, 2018 Author: Cricketnmore Team

Virat Kohli

પર્થ (Cricketnmore.com) : પર્થમાં રમાયેલી ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચેની શ્રેણીની બીજી ટેસ્ટના પાંચમાં દિવસે ભારતને 140 ના સ્કોર પર આઉટ કરીને ઓસ્ટ્રેલિયાએ 287 રનના મોટા માર્જીનથી જીત મેળવી છે. આ પહેલા ટીમ ઇન્ડિયા ચોથા દિવસે જ 5 વિકેટ ગુમાવી ચુકી હતી. અંતિમ દિવસે મેદાન પર ઉતરેલી ભારતીય ટીમ નિષ્ફળ રહી હતી. રિષભ પંત (30 રન) અને હનુમા વિહારી (28 રન) મોટી ઇનીંગ રમવામાં નિષ્ફળ ગયા હતા.

ભારતની શરૂઆત ઘણી ખરાબ રહી
ઓસ્ટ્રેલિયાએ જીતવા માટે આપેલા 287 રનના લક્ષ્યાંક સામે મેદાન પર ઉતરેલી ભારતીય ટીમની શરૂઆત સારી રહી ન હતી. છેલ્લા ઘણા સમયથી નિષ્ફળ રહેલા લોકેશ રાહુલ ફરી બીજી ઇનીંગ્સમાં પણ શુન્ય રને આઉટ થયો હતો. તો ચેતેશ્વર પુજારા માત્ર 4 રન કરી આઉટ થતાં ભારતને મોટો ઝટકો લાગ્યો હતો. પણ સુકાની વિરાટ કોહલી કોઇ ખાસ મોટી ઇનીગ્સ રમી શક્યો ન હતો અને માત્ર 17 રને આઉટ થઇ જતાં ભારતની જીતની આશા પર મોટો ફટકો પહોંચ્યો હતો.

રહાણે અને હનુમા મોટી ઇનીંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા
અજિંક્ય રહાણે અને હનુમા વિહારી મોટી ઇનીંગ્સ રમવામાં નિષ્ફળ રહ્યા હતા. ચોથા દિવસે બન્નેએ ટીમની જવાબદારી સંભાળી હતી અને સ્કોર 98 રન સુધી પહોચાડ્યો હતો. પણ રહાણેની એકાગ્રતા ભંગ થઇ અને હેઝલવુડની ઓવરમાં તે ટ્રેવીસ હેડને કેચ આપી બેઠો અને 30 રનના સ્કોર પર આઉટ થઇ ગયો. ત્યાર બાદ રિષભ પંત અને હનુમા વિહારી પાસેથી ભારતની જીત માટે અંતિમ આશા રહી હતી. પણ પાંચમાં દિવસે તેમની પાસેથી નિરાશા મળી હતી અને હનુમા વિહારી 28 રન અને પંત 30 રને આઉટ થયા હતા. આમ પાંચમાં દિવસની શરૂઆતમાં 28 રન ઉમેરતાની સાથે જ પુરી ટીમ 140 રનના સ્કોર પર ઓલ આઉટ થઇ જતાં ભારતે બીજી કક્ષાની ઓસ્ટ્રેલિયાની ટીમને જીત ભેટમાં આપી દીધી.


Photo Source : Google